Facebook

Posted by : Jayesh Panchiwala 05/12/2013

 
    સર ચાર્લ્સ વોટ્સન હાઇસ્કૂલ      

             આ શાળાની સ્થાપના ઈ.સ. ૧૮૫૩ માં એક ખાનગી શાળા તરીકે કરવામાં આવેલ. ડીસા નગરના મહાજનો આ શાળાનો વહીવટ કરતા અને તેઓની મદદથી આ શાળા ચાલતી.
ઈ.સ. ૧૮૫૭ માં વિપ્લવ થયો. આ જ વર્ષમાં ૧૮૫૭ ની ફેબ્રુઆરી ૧૦મી તારીખે આ ખાનગી શાળા બ્રિટીશ સરકારને હસ્તક સોંપવામાં આવી અને તે 'ગર્વમેન્ટ એગ્લો વર્નાકુલર સ્કૂલ-કેમ્પ ડીસા' તરીકે ઓળખવામાં આવી.
      આ શાળાના પ્રથમ આચાર્ય ગુજરાતના પ્રથમ સમાજ સુધારક શ્રી કરશનદાસ મુળજી હતા. તેઓ મુંબઈથી આવ્યા હતા. તેઓ નર્મદા શંકરના સમકાલીન હતા.
      આ શાળામાં એક એવો સમય આવ્યો કે 'ડીસા કેમ્પ'નું લશ્કર ઓછું થવાથી સ્કુલ બંધ કરવાના ભણકારા સંભળાવવા લાગ્યા હતા,પરંતુ નગરજનોની ખાસ વિનંતીને અનુસરી સરકારશ્રીએ ઈ.સ.૧૮૯૬ માં આ શાળા કેન્ટોન્મેન્ટ હસ્તક સોંપી ત્યારથી આ શાળા 'કેન્ટોન્મેન્ટ એ.વી.સ્કૂલ ડીસા કેમ્પ' નામથી જાહેર કરવામાં આવી. આ સ્થિતિ માર્ચ ૧૯૨૮ સુધી ચાલી.
       ઈ.સ.૧૯૨૨-૨૩ ના અરસામાં ભાડાથી આપેલ પટાની મુદ્દત પૂરી થવાથી પાલનપુરના નવાબ સર તાલેમહંમદખાનજીએ તે વખતના આબુના A.G.G. સર ચાર્લ્સ વોટ્સનની સાથે વાટાઘાટ કરી ડીસા પાછું મેળવવા માંગણી કરી. તે માંગણી સ્વીકારવામાં આવી તેથી ઈ.સ.૧૯૨૮ ની માર્ચ ૧૫ ના દિવસે 'ડીસા કેમ્પ' 'પાલનપુર સ્ટેટ'ને સુપ્રત થયું. તેનું નામ 'ડીસા કેમ્પ'ને બદલે 'ડીસા' રાખવામાં આવ્યું.
       ડીસા પરત સોંપાયાના થોડા સમય પછી આપણા કદરદાન નવાબ સાહેબે A.G.G. સર ચર્લ્સ વોટ્સનની કદરરૂપે આ શાળાનું નામ 'સર ચાર્લ્સ વોટ્સન હાઇસ્કૂલ' જાહેર કર્યું. આ શાળા પાલનપુર રાજ્યના આશ્રય નીચે આવી તથા  તેનો વહીવટ ડીસા મ્યુનિસિપાલીટીને હસ્તક રહ્યો, જે આજ સુધી ચાલુ છે.
           આ શાળા ઈ.સ.૧૯૩૦ પહેલાં ભાડાના મકાનમાં બેસતી હતી તેથી ઈ.સ.૧૯૩૦માં નવાબ સાહેબ સર તાલેમહંમદખાનજીએ નવીન મકાનનું ખાતમુર્હૂત કર્યું અને ડીસા મ્યુનિસિપાલીટી બોર્ડે ઈ.સ.૧૯૩૨ માં નવીન મકાન બાંધી આપ્યું.
  • આ શાળામાં ૧૯૨૮માં ફક્ત ૫૮ ની સંખ્યા હતી.
  • આ શાળામાં મેટ્રિકનો વર્ગ (ધો.૧૧ જૂની S.SC.) ઈ.સ.૧૯૫૦ માં શરુ થયો.
  • ઈ.સ.૧૯૫૧ માં S.S.C. ની પરીક્ષા માટે પાલનપુર કેન્દ્ર હોવાથી બધાજ વિદ્યાર્થીઓને પાલનપુર મોકલવામાં આવ્યા. જેનું પરિણામ તે વખતે ૪૮% આવ્યું હતું.
  • સને ૧૯૯૯માં આચાર્ય તરીકે શ્રી વી.કે.મોદી સાહેબ નિમણૂક પામ્યા. ત્યાર બાદ શાળાના વિદ્યાર્થીઓની સંખ્યામાં ઉતરોતર વધારો થતો ગયો. આજે શાળામાં આશરે બે હજાર જેટલા વિદ્યાર્થીઓ ૨૪ વર્ગોમાં અભ્યાસ કરી રહ્યા છે. શાળાના ધોરણ ૧૦ અને ૧૨ સા.પ્ર./વિ.પ્ર. ના પરિણામોમાં ખૂબ જ પ્રગતિ જોવા મળેલ છે.
  • સને ૨૦૦૩માં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની સમિતિ દ્વારા  'સાર્ધશતાબ્દી મહોત્સવ'તારીખ ૨૭,૨૮,૨૯ ફેબ્રુઆરી૨૦૦૪માં આયોજન થયું. દોઢસો વર્ષની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ આ ભવ્ય સમારોહ આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને નગર માટે અવિસ્મરણીય સંભારણું બની રહ્યો.
  • ત્યાર પછીના વર્ષોમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા (સાર્ધશતાબ્દી મહોત્સવ સમિતિ) દ્વારા શાળાના મકાનનું નવીનીકરણનું કામ શ્રી મહેશભાઈ ભણસાળીના નેતૃત્વ હેઠળ શરુ થયું અને શાળાને નીચે જણાવ્યા મુજબ ની ભૌતિક સુવિધાઓ મળી.

  • શાળાનું નવીન મકાન
    કમ્પ્યુટર લેબ.
    અધતન ભૌતિક સુવિધાઓ
    સાધનસંપન્ન પ્રયોગશાળાઓ
    ૮૦૦૦ ચો.ફૂટનો પ્રાર્થના ખંડ
    કેન્ટીન
    શાળાની અંદર RCC રોડ
    પાણીની પરબો
    બાગ બગીચા
    પંખા,પાટલીઓ,બ્લેક બોર્ડ,ફર્નીચર

  • ૨૦૧૧ થી સમર એક્ટીવીટી કેમ્પ યોજવામાં આવે છે જેમાં ન.પા. ટોકન ચાર્જ લઈને શાળાના/ નગરના વિદ્યાર્થીઓને  અને યુવાધનને તેમનામાં રહેલી સુષુપ્તશક્તિઓ - કૌશલ્યોને બહાર લાવવા વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવે છે, જેમાં સમગ્ર નગરના તરુણ/યુવાન ભાઈ બહેનો ઉત્સાહથી ભાગ લે છે.
  • છેલ્લા બે વર્ષથી શાળાના સ્થાપના દિન નીમિતે શાળાના જ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓના ટેલેન્ટ ના દર્શન તેમના વાલીઓ અને નગરજનોને થાય. ન.પા. ના સહયોગથી યોજાતા આ કાર્યક્રમ દ્વારા શાળાએ કરેલ વિકાસ અને પ્રગતિ - પ્રવૃતિઓ-સિદ્ધિઓના દર્શન આપોઆપ નગરજનોને થાય છે.

Popular Post

Blogger દ્વારા સંચાલિત.

- Copyright © S.C.W. HIGHSCHOOL -Metrominimalist- Powered by Blogger - Designed by Johanes Djogan -